આ બે મોટા નેતાઓમાંથી કોઈ એક બની શકે છે ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ.. જાણો વધુ

ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખની ટર્મ પૂરી થઇ ગઈ છે અને છેલ્લા ઘણા મહિનાઓથી નિમણુક વિલંબિત છે ત્યારે હવે ભાજપમાં સંગઠનપર્વ સમાપ્ત થવા સાથે નવા પ્રદેશ પ્રમુખ મળી શકે છે. ગુજરાત ભાજપમાં વિજય રૂપાણી પ્રદેશ પ્રમુખ હતા જેઓ મુખ્યમંત્રી બન્યા બાદ જીતું વાઘાણી પ્રદેશ પ્રમુખ બન્યા હતા.

જીતુ વાઘાણી ભાવનગર પશ્ચિમ વિધાનસભા બેઠકથી ધારાસભ્ય છે. જો પ્રદેશ પ્રમુખ બદલવામાં આવે તો તેમને કેબિનેટ મંત્રી બનાવાય તેવી પૂરી શક્યતાઓ છે જેના માટે ગુજરાત સરકારમાં મંત્રી મંડળનું વિસ્તરણ નજીકના સમયમાં જ થશે તેમ કહેવાઈ રહ્યું છે, જો તેમને મંત્રી બનાવવામાં ના આવે તો સંગઠનમાં કોઈ મહત્વનું મોટું પદ આપવામાં આવી શકે છે.

ઉલ્લેખનીય છે કે બજેટ સત્ર બાદ માર્ચ મહિનાના અંત સુધીમાં જ મંત્રી મંડળનું વિસ્તરણ થશે તેમ કહેવાતું હતું પરંતુ કોરોના મહામારી અને લોકડાઉનના લીધે હવે આવનારા મહિનામાં થઇ શકે છે. સામે પ્રદેશ પ્રમુખના પદ માટે પણ હવે ભાજપમાં સંગઠનમાં કક્ષાએ દાવેદારીઓ નોંધવાની શરુ થઇ ગઈ છે, અનેક લોકોના નામ ચાલી રહ્યા છે.

જો કે ચર્ચામાં રહેલા ઘણા નામો તો દર વખતે આવતા જ હોય છે પરંતુ જે પ્રકારની હિલચાલ છે તે જોતા પક્ષમાં બે મોટા નેતાઓ વચ્ચે કોને પસંદ કરવા તે અંગેની જ ચર્ચા ચાલી રહી હોવાનું કહેવાઈ રહ્યું છે. હાલમાં પ્રદેશ પ્રમુખ પદ પાટીદાર સમાજના નેતા પાસે છે, ડેપ્યુટી સીએમ પદ પણ પાટીદાર નેતાને અપાયું છે તો સીએમ જૈન સમાજમાંથી આવે છે. એટલે આવનારા સમયમાં જ્ઞાતિ સમીકરણનું પણ ધ્યાન રાખવાના પૂરતા પ્રયત્નો થઇ રહ્યા છે.

આ બે મોટા નેતાઓમાં એક છે ગોરધન ઝડફિયા અને બીજા છે શંકર ચૌધરી. ભાજપના પાયાના કાર્યકર્તા રહેલા ગોરધન ઝડફિયા ગુજરાત સરકારમાં ગૃહ રાજ્યમંત્રીના પદ પર પણ રહી ચુક્યા છે. ૨૦૦૭ ની વિધાનસભા ચૂંટણીમાં કેશુભાઈ પટેલ સિવાય સૌરાષ્ટ્રના ઘણા નેતાઓ – ધારાસભ્યો કોંગ્રેસમાં જોડાઈ ગયા હતા તેમજ ગોરધન ઝડફિયા પણ ભાજપના વિરોધમાં ખુલ્લેઆમ ઉતર્યા હતા.

જો કે ૨૦૦૭ માં તેમની બળવાખોરીથી ભાજપને ખાસ કોઈ નુકસાન ના થતા તેમણે પોતાનો જ એક પક્ષ બનાવવાનું નક્કી કર્યું. ૨૦૦૮ માં તેમણે મહાગુજરાત જનતા પાર્ટીની રચના કરી. જો કે ગુજરાતમાં ત્રીજા મોરચા તરીકે MJP ખાસ કોઈ સ્થાન બનાવી ના શકી, ત્યારબાદ વર્ષ ૨૦૧૨ ની વિધાનસભા ચૂંટણી અગાઉ કેશુભાઈ પટેલની આગેવાનીમાં ગુજરાત પરિવર્તન પાર્ટીની સ્થાપના કરવામાં આવી જેમાં પૂર્વ મુખ્યમંત્રી સુરેશ મહેતા અને પૂર્વ ગૃહ રાજ્યમંત્રી ગોરધન ઝડફિયા જોડાયા હતા અને જીપીપીમાં મહાગુજરાત જનતા પાર્ટીનો વિલય કરી દેવામાં આવ્યો.

જો કે આ પ્રયાસમાં પણ જીપીપીને નિષ્ફળતા જ મળી. કેશુભાઈ પટેલ અને નલીન કોટડીયા એમ ૨ ધારાસભ્યો જ જીતી શક્યા જયારે કે ગોરધન ઝડફિયાની પણ ગોંડલ બેઠક પરથી હાર થઇ હતી. આ પરિસ્થિતિમાં સમય જતા કેશુભાઈ પટેલે રાજીનામું આપી દીધું હતું, તથા ગોરધન ઝડફિયાએ GPP નો વિલય ભાજપમાં કરીને તેઓ ભાજપમાં જોડાઈ ગયા હતા.

ત્યારબાદ ગોરધન ઝડફિયાને ઉત્તરપ્રદેશ ભાજપના સહપ્રભારી બનાવી પક્ષ દ્વારા મોટી જવાબદારી સોંપવામાં આવી હતી, જેમાં તેમણે મહત્વની કામગીરીઓ કરીને હાઈકમાન્ડને તેમની ક્ષમતાનો પરિચય કરાવ્યો, તો બીજીતરફ જીતુ વાઘાણી પાટીદાર સમાજના હોવાથી ભાજપે પ્રદેશ પ્રમુખ પદ પાટીદારને જ આપવું હોય તો સમાજમાં મોટું નામ ધરાવતા ગોરધન ઝડફિયાને આ જવાબદારી સોંપી શકે છે તેવી ચર્ચાઓ ચાલી રહી છે.

ચર્ચામાં રહેલા મુખ્યત્વે બે નામોમાંથી એક નામ પાટીદાર સમાજમાંથી આવતા નેતાનું છે તો બીજું નામ ઓબીસી સમાજમાંથી આવતા નેતાનું છે, શંકર ચૌધરી. બનાસકાંઠા અને પાટણ જીલ્લામાં ચૌધરી સમાજમાં મોટું નામ અને મહત્વ ધરાવતા શંકર ચૌધરી રાજકીય રીતે ઘણા હોંશિયાર અને સક્ષમ નેતા કહેવાય છે.

શંકરસિંહ વાઘેલા મુખ્યમંત્રી હતા ત્યારે તેમની સામે રાધનપુર બેઠકથી યુવા વયે ચૂંટણી લડી ચર્ચામાં આવેલા શંકર ચૌધરી બાદમાં ૧૯૯૮ માં રાધનપુર બેઠકથી ધારાસભ્ય બન્યા હતા. ત્યારબાદ ૨૦૧૨ માં તેમણે વાવ વિધાનસભા બેઠકથી લડવાનું પસંદ કર્યુ હતું. ત્યાંથી તેઓ ધારાસભ્ય બન્યા હતા અને બાદમાં મંત્રી પણ બન્યા.

બનાસ ડેરી અને સહકારી ક્ષેત્રે પણ મોટું પ્રભુત્વ ધરાવતા શંકર ચૌધરીની ૨૦૧૭ ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના ગેનીબેન ઠાકોર સામે હાર થઇ હતી. જો કે ત્યારબાદ પણ બનાસકાંઠા લોકસભા બેઠકથી ચૂંટણી લડી શકે છે તેવી ચર્ચા ઉભી થઇ હતી પરંતુ તેમાં શંકર ચૌધરીને પક્ષે નહોતા લડાવ્યા. અલ્પેશ ઠાકોરના કોંગ્રેસમાંથી રાજીનામાં અને થરાદ બેઠકથી ધારાસભ્ય રહેલા પરબત પટેલ સાંસદ બન્યા બાદ તે બેઠક ખાલી પડતા રાધનપુર અથવા થરાદથી તેઓ પેટા ચૂંટણી લડી શકે છે તેવી ચર્ચાઓ ઉભી થઇ હતી.

રાજકારણમાં સક્ષમ અને હોંશિયાર નેતાઓને વિરોધીઓ કાપવામાં ખુબ મહેનત કરતા હોય છે. શંકર ચૌધરીને આ ૨ બેઠકોમાંથી એકપણ બેઠક પરથી ભાજપે ના લડાવ્યા. અંતે બન્ને સીટો પર ભાજપની હાર થઇ અને આ હારથી નેતાઓ અને રાજકીય પક્ષોમાં ઘણી ચર્ચાઓ થઇ હતી. ભાજપે તો તેની પરંપરાગત બેઠક થરાદ વર્ષો બાદ ગુમાવવી પડી તે તો મોટો આંચકો હતો.

જો કે ત્યારબાદ શંકર ચૌધરી ફરીથી ચર્ચામાં આવ્યા રાજ્યસભાની ચૂંટણીમાં. કોંગ્રેસે મોટો તખ્તો તૈયાર કર્યો હતો, જો કે અંદરની ચર્ચા ભાજપ સુધી પહોંચી જતા છેલ્લી ઘડીએ દાવ બદલાયો અને રાજ્યસભાની ચૂંટણીમાં વોટ આપવા માટે ભાજપના માતરના ધારાસભ્ય કેસરીસિંહને એમ્બ્યુલન્સમાં વિધાનસભા લાવી શંકર ચૌધરીએ તેમના વતી પ્રોક્સી વોટ કરીને ભાજપની ત્રીજી બેઠક લાવવામાં જે મહત્વની ભૂમિકા ભજવી તેનાથી તેમણે ભાજપને તો લાભ કરાવ્યો પણ પક્ષની અંદર પણ એક ઓપરેશન સંભાળી મજબુત નેતા હોવાનું ફરીથી પ્રસ્થાપિત કર્યું.

નોંધનીય છે કે શરૂઆતમાં ચર્ચા કરી તેમ ગુજરાતમાં સીએમ જૈન સમાજમાંથી છે, નાયબ મુખ્યમંત્રી પાટીદાર સમાજમાંથી છે ત્યારે ભાજપ પ્રદેશ પ્રમુખનું પદ ઓબીસી સમાજમાંથી આવતા નેતાને આપવામાં આવી શકે છે તેવી પણ ચર્ચા છે અને ભાજપમાં ઓબીસી સમાજના સૌથી મોટા નેતા જો કહી શકાય એવા હોય તો તે શંકર ચૌધરી જ છે. ઉલ્લેખનીય છે કે આપણે અહી ચર્ચા કરી તે નેતાઓ તો સક્ષમ અને સ્વતંત્ર નિર્ણયશક્તિ ધરાવે છે.

આ ઉપરાંત ધોળકા વિધાનસભા બેઠક પરથી હાઈકોર્ટના ચુકાદા બાદ ધારાસભ્ય પદ ગુમાવવાની પરિસ્થિતિમાં આવેલા તેમજ સુપ્રીમ કોર્ટના સ્ટેથી એ પદ બચાવી રાખ્યું છે તેવા ભુપેન્દ્રસિંહ ચુડાસમા પણ ભાજપના સંકટમોચક કહેવાય છે અને જો સુપ્રીમ કોર્ટથી પણ ચુકાદો આવે અને તેઓ ધારાસભ્ય પદ ગુમાવે તો તેઓ સંગઠન પર ધ્યાન કેન્દ્રિત કરી શકે છે. હાઈકમાન્ડના વિશ્વાસુ હોવાથી તેમને પણ પ્રદેશ પ્રમુખ પદ આપવામાં આવી શકે છે. આ ઉપરાંત ભાજપના મહામંત્રી ભરતસિંહ પરમાર, ભીખુભાઈ દલસાણીયા, શબ્દશરણ બ્રહ્મભટ્ટને પણ હાઈકમાન્ડ આ પદ સોંપી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *