સુરત- અડાજણ ખાતે શ્રી ઘોઘારી લોહાણા સમાજનો રાજ રાજેશ્વરી ભગવતી દેવી રાંદલ માતાજીના ભવ્ય દરબાર યોજાયો..

Religious

અડાજણ ખાતે આવેલ અમિધારા વાડીમાં શ્રી ઘોઘારી લોહાણા સમાજનો ભવ્ય દરબાર યોજાયો. સોમવારના રોજ સુરતમાં ઘોઘારી લોહાણા સમાજ દ્વારા રાજ રાજેશ્વરી ભગવતી દેવી રાંદલ માતાજી ના ૧૦૮ લોટા તેડવામાં આવ્યા છે અને મહાપ્રસાદનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. કોરોનાને કારણે છેલ્લા બે અઢી વર્ષોથી સામાજિક મેળવડા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો અને હવે કોરોના કેસોમાં ઘટાડો જોવા મળતા આજ રોજ સુરતમાં શ્રી ઘોઘારી લોહાણા સમાજે રાંદલ માતાજી ના ૧૦૮ લોટા તેડ્યા.

આ આયોજન શ્રી ઘોઘારી લોહાણા સમાજના પ્રમુખ શ્રી ઉમંગ ભાઈ પાબારી, સહીત ઉપપ્રમુખ શ્રી બકુલભાઈ જીવરાજાણી, , મંત્રી શ્રી હિતેશભાઈ વડેરા, શ્રી જીગ્નેશભાઈ માધવાણી, શ્રી કેતનભાઈ વડેરા, શ્રી દિનેશભાઈ કારીયા, શ્રી વ્રજેશભાઈ ઉનડકત (સુરત શહેરના બીજેપી યુવા કોર્પોરેટર), શ્રી શૈલેશભાઈ સોનપાલ, શ્રી ઋષિભાઈ નથવાણી, શ્રી દિપેશભાઇ ગોટેચા, શ્રી રસિકભાઈ રાયઠઠ્ઠા, શ્રી અમીશભાઈ ખાલપાડા, શ્રી કુમુદભાઈ સુબા અને કમિટી સભ્યો અને બીજા સહકારી લોકો દ્વારા આયોજવામાં આવ્યું છે.

“લિપ્યું ને ગુપ્યું મારું આંગણું, પગલીનો પાડનાર દ્યો ને રન્નાદે મા, વાંઝિયામેણા રે માડી દોહ્યલાં રે,..” આ ગીતમાં સૂર્ય પત્ની રન્નાદેનો ખુબ જ મહિમા કરવામાં આવ્યો છે. રાંદલ મા સંતાન સુખ આપનારી માતા તરીકે પૂજવામાં આવે છે. લગભગ દરેક લોકો રાંદલ માં તરીકે જ જાણતા હશે. આ રાંદલમાં એટલે ભગવાન વિશ્વકર્માના પુત્રી.

આપણા દેશમાં દેવી અને દેવતાઓનો મહિમા ખૂબ જ ગવાય છે અને શાસ્ત્રોમાં પણ દેવીઓ વિશે ઘણું કહેવામાં આવ્યું છે. અને આજે રાંદલમાતા ના લોટા તેડવાનું આપણા દેશમાં ખુબ મહત્વ વધી ગયું છે જેમકે સંતાન પ્રાપ્તિ થઈ હોય કે પછી નવી વરવધૂના ઘરમાં આગમન સમયે માતાજીના લોટા તેડવામાં આવે છે આથી રાંદલ માતાને સંતાન આપનાર દેવી કહેવાય છે,

રાંદલ માતાજીને રન્નાદે-સંજ્ઞાદેવી-રાણલદે-રાંખલ જેવા નામેથી પણ ઓળખવામાં આવે છે. રાંદલ માતાજી ભગવાન વિશ્વકર્માના પુત્રી, સૂર્યનારાયણ ભગવાનના પત્‍ની અને યમ તથા યમુનાના માતા છે. શની અને તાપી તે રાંદલ માતાની છાયાના સંતાનો છે.

ગુજરાતી ઘરોમાં શુભ પ્રસંગ હોય કે ઘરે દીકરાનો જન્મ હોય રાંદલનાં લોટા તેડવાની પ્રથા છે. અને દરેક ગુજરાતી હોંશે હોંશે માતા રાંદલનાં લોટા તેડે છે. રાંદલનાં લોટા રવીવારે કે મંગલવાર જ તેડવામાં આવે છે ભૂદેવ દ્વારા સવારે વહેલા માતાના મોટાનું સ્થાપન બાજોઠ પર કરવામાં આવે છે અને તેને શોળે શણગાર સજાવવામાં આવે છે..પૂજા અર્ચના કરવામાં આવે છે. બપોર થતાં તેર ગોયણીઓને જમવા બોલાવવામાં આવે છે ને માં રાંદલનાં ગરબા ને ગીતો ગાઈને ધોડો ખૂંદીને બધી જ ગોયણીને ખીર ને રોટલીનો પ્રસાદ આપી જમાડવામાં આવે છે. અને સાંજે પણ સંધ્યા સમયે માતાના ગરબા ગાવામાં આવે છે ને બીજે દિવસે સવારે કૂવારી કન્યાઓને જમાડી માતાને વિદાય કરવામાં આવે છે…

રાંદલ માં ના સ્થાપનમાં તાંબાના બે લોટા ઉપર નાળિયેર મૂકી તેને નાડાછેડી બાંધવામાં આવે છે. તેની પર આંખો લગાડી સોનાના ઘરેણાં પહેરાવવામાં આવે છે અને ચૂંદડી ઓઢાડી રાંદલની પ્રતિકૃતિ સર્જવામાં આવે છે. રાંદલ ની પૂજા સમયે યથાશક્તિ નાની બાળકીઓ ને ગોરણી જમાડવાનો પણ રિવાજ છે.ગોયણી ને જમાડવામાં આવે છે. જેમાં ખીર પળ સૌથી પહેલા પીરસવા માં આવે છે જે ગોયણી એ સૌ પ્રથમ ગ્રહણ કરવાનું હોય છે, ત્યાર બાદ તે જે ખાવા ઈચ્છે તે ખાઈ શકે છે. જે ભક્ત સાચા મનથી રાંદલ માતાને પ્રાર્થના કરે છે તેની બહી જ મનોકામના પૂર્ણ થાય છે. ખાસ કરીને અહીં નિ:સંતાન દંપતી સંતાન પ્રાપ્તિની કામના લઈને આવે છે. જેમની કામના માતાજી પૂર્ણ કરે છે. (~કાર્યક્રમ 01 મે 2022).

Leave a Reply

Your email address will not be published.