કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા બ્રિજેશ મેરજાએ વાટ્યો ભાંગરો, સી.આર. પાટિલને ગણાવી દીધા…. જુઓ Video

માર્ચ મહિનામાં રાજ્યસભાની ચૂંટણી અગાઉ કોંગ્રેસમાંથી ભાજપમાં પક્ષપલટા શરુ થયા હતા, ત્યારબાદ કોરોના મહામારી- લોકડાઉનમાં રાજ્યસભાની ચૂંટણી મુલતવી રહી હતી, ત્યારબાદ અનલોકની પ્રક્રિયા શરુ થતા જ રાજ્યસભાની ચૂંટણી યોજવાની જાહેરાત કરવામાં આવી હતી.

ગુજરાતના કોંગ્રેસના ધારાસભ્યોની બેઠકમાં ઉપસ્થિતિ દર્શાવ્યા બાદ ઓચિંતા કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ આજે ભાજપના મોટા નેતાઓની ઉપસ્થિતિમાં પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી, જેમાં તેઓ કોંગ્રેસમાંથી ભાજપમાં કાર્યકરોને જોડવાની બાબતનો ઉલ્લેખ કરી રહ્યા હતા.

આ સમયે તેમની સાથે ભાજપના મોરબી વિધાનસભાના નિરીક્ષક આઈ.કે. જાડેજા તથા ભાજપના પૂર્વ ધારાસભ્ય અને અન્ય નેતાઓ – કાર્યકરો હાજર હતા તે સમયે તેમણે જણાવ્યું હતું કે,

૬૦ જેટલા આગેવાનો કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા છે. આવનારા સમયમાં વધુ ને વધુ સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો ભાજપમાં જોડાશે અને નરેન્દ્ર મોદી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસના નવા વરાયેલા પ્રમુખ શ્રી સી.આર. પાટીલ…

ત્યારબાદ તેમની બાજુમાં બેઠેલા ભાજપના વરિષ્ઠ નેતા આઈ.કે. જાડેજાએ ધ્યાન દોરતા બ્રિજેશ મેરજાએ જે તે સવાલનો ઉત્તર આપવાના સ્થાને અગાઉની ભૂલની ચોખવટ કરીને પ્રદેશ ભાજપના પ્રમુખ સી.આર. પાટીલ તેમ કહીને શરૂઆત કરી હતી.

આટલેથી જ ના અટક્યા…. ફરી કરી ભૂલ

તો ત્યારબાદ પણ બ્રિજેશ મેરજા ભાજપના વિવિધ નેતાઓ- આગેવાનોના નામ બોલી રહ્યા હતા તેવા સમયે જીલ્લા કોંગ્રેસના પ્રમુખ રાઘવજીભાઈ બોલી ગયા હતા જે પણ સુધારીને ફરી તેમણે જિલ્લા ભાજપ પ્રમુખના પ્રમુખ રાઘવજીભાઈ ગડારા તેમ બોલવું પડ્યું હતું.

આમ પહેલા સી.આર. પાટીલને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના નવા વરાયેલા પ્રમુખ કહ્યા બાદ મોરબી જિલ્લા ભાજપના પ્રમુખને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગણાવી દીધા હતા.

જુઓ વિડીયો:

આમ ભલે બ્રિજેશ મેરજા કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાઈ ગયા અને હવે વિધાનસભાની ટીકીટ મેળવવા માટે મહેનત કરી રહ્યા છે પરંતુ હજુ તેમના દિલમાંથી કોંગ્રેસ ગઈ હોય તેવું લાગતું નથી.

નોંધનીય છે કે આ અગાઉ કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા કરજણના ધારાસભ્ય અક્ષય પટેલે પણ અમિત શાહની જગ્યાએ અમિત ચાવડા બોલી દીધું હતું તો જેવી કાકડીયાએ પણ ભાજપની જગ્યાએ કોંગ્રેસમાં જોડાવાની વાત કરી ભાંગરો વાટ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *