વધુ ઉંચાઈ, ઊંચું શિખર અને મોટો એરિયા, જુઓ કેટલું ભવ્ય બનશે રામ મંદિર..

રામ મંદિરની વધશે ભવ્યતા

રામ મંદિર નિર્માણનો શુભારંભ નજીકના સમયમાં જ થવા જઈ રહ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે ૫ ઓગસ્ટે અયોધ્યામાં રામ જન્મભૂમી પૂજન કરવામાં આવશે. રામ મંદિર નિર્માણની રૂપરેખા પર ૧૮ જુલાઈએ શ્રીરામ જન્મભૂમી તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની મહત્વની બેઠક યોજાઈ.

આ બેઠકમાં અનેક મુદ્દાઓ પર મહત્વની ચર્ચા થઇ. રમ મંદિરની ભવ્યતા વધારવા માટે કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે. હવે ભગવાન રામનું મંદિર વધુ ઊંચું અને ભવ્ય હશે.

થશે આ ફેરફાર

રામ મંદિરની ઊંચાઈ, પહોળાઈ અને લંબાઈ વધારવામાં આવી છે. સાથે જ રામ મંદિર હવે બે માળની જગ્યાએ ત્રણ માળનું હશે. જુના મોડલના હિસાબથી મંદિરની લંબાઈ ૨૬૮ ફૂટ ૫ ઇંચ હતી જે હવે ૨૮૦ થ ૩૦૦ ફૂટ હશે. તો નવા મોડલમાં મંદિરની પહોળાઈ વધારીને ૨૭૨-૨૮૦ ફૂટની આસપાસ રહેશે જે પહેલા ૧૪૦ ફૂટ હતી.

આ ઉપરાંત મંદિરની ઊંચાઈ ૧૨૮ ફૂટથી વધારીને ૧૬૧ ફૂટ હશે. ઊંચાઈમાં ૩૩ ફૂટની વૃદ્ધિ થવાથી એક વધુ માળ વધારવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત ત્રણ ગુંબજની જગ્યાએ નવા નકશામાં પાંચ ગુંબજ રાખવામાં આવ્યા છે. બે માળની જગ્યાએ હવે રામ મંદિર ત્રણ માળનું હશે. સમગ્ર મંદિરમાં ૩૧૮ સ્તંભ હશે અને દરેક તળ પર ૧૦૬ સ્તંભ બનાવવામાં આવશે.

જો કે, મંદિરનું મૂળભૂત સ્વરૂપ તે જ રાખવામાં આવ્યું છે જેવું પ્રસ્તાવિત મોડલમાં હતું. ગર્ભગૃહ અને સિંહદ્વારના નકશામાં પણ કોઈ ફેરફાર નહીં થાય. રામ મંદિરનો અગ્રભાગ, સિંહદ્વાર, નૃત્ય મંડપ અને રંગ મંડપને છોડીને બાકીના હિસ્સાનો નકશો બદલવામાં આવશે. મંદિરના નવા નકશા પર વાસ્તુકાર ચંદ્રકાંત સોમપુરા કામ કરી રહ્યા છે.

કેમ બદલવામાં આવ્યો નકશો

રામ મંદિરનું જે મોડલ અત્યારસુધી સૌની સામે છે તે વિશ્વ હિંદુ પરિષદના આઈડિયા પર આધારિત છે. સુપ્રીમ કોર્ટથી ૯ નવેમ્બર ૨૦૧૯ ના રોજ જયારે રામ મંદિર નિર્માણને મંજુરી મળી તો મંદિરની જવાબદારી માટે કેન્દ્ર સરકારને એક ટ્રસ્ટ બનાવવાનું કહેવામાં આવ્યું. કેન્દ્ર સરકારે રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ નામથી રામ મંદિર ટ્રસ્ટની રચના કરી.

આ ટ્રસ્ટ જ હવે મંદિર નિર્માણનું કામ જોઈ રહ્યું છે. મંદિરને લઈને સતત મંથન પણ થઇ રહ્યું છે. સંતોની તરફથી રામ મંદિરના વિસ્તાર અને તેની ભવ્યતા વધારવાની માંગણી સતત કરવામાં આવી રહી હતી. ટ્રસ્ટે સંતોની આ માંગણીની ગંભીરતાથી લેતા કેટલાક ફેરફારના નિર્ણય કર્યા છે. જો કે મંદિરનું મોડલ તે જ રહેશે, પરંતુ તેની ભવ્યતા વધારવામાં આવશે.

૧૮ જુલાઈએ અયોધ્યામાં થયેલી ટ્રસ્ટની બેઠકમાં રામ મંદિર મોડલ તૈયાર કરનારા ચંદ્રકાંત સોમપુરાના બન્ને પુત્ર નિખિલ અને આશિષ સોમપુરાને પણ બોલાવવામાં આવેલા. બન્ને એન્જીનીયર છે. આ બન્ને ય મંદિરના નકશામાં કરવામાં આવેલા ફેરફાર પર કામ કરશે.

મંદિરમાં ભૂમિ પૂજનમાં શ્રી રામ જન્મભૂમી તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના અધ્યક્ષ મહંત નૃત્ય ગોપાલ દાસ લગભગ ૪૦ કિલો ચાંદીની શ્રી રામ શીલાને સમર્પિત કરશે. કહેવામાં આવી રહ્યું છે કે ૩.૫ ફૂટ ઊંડા ખાડામાં પાંચ ચાંદીની ઈંટ મુકવામાં આવશે, જે ૫ નક્ષત્રોની પ્રતિક હશે.

કહેવામાં આવે છે કે અભિજિત મુહુર્તમાં ભગવાન રામનો જન્મ થયો હતો. ટ્રસ્ટના અધિકારીઓનું કહેવું છે કે રામ મંદિરનો નકશો ફાઈનલ થયા બાદ ૩ થી ૩.૫ વર્ષની વચ્ચે નિર્માણનું કામ પૂર્ણ થઇ જશે.

રામ મંદિર નિર્માણ માટે ફાળો એકઠો કરવાનું કામ પણ કરવામાં આવશે. ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે જણાવ્યું છે કે ચોમાસા બાદ રામ મંદિર ટ્રસ્ટ ૧૦ કરોડ પરિવારોનો સંપર્ક કરશે અને મંદિર માટે આર્થિક સહાયની માંગણી કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *