ગુજરાતમાં ભાજપને ઘરેભેગી કરવાનો પ્લાન, આ પ્રસ્તાવથી નેતાઓ ચિંતામાં..

વર્ષ 2017 માં ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને 99 ના આંકડે પહોંચી બહુમતી મળી અને કમુરતામાં શપથ લઈ સરકાર બનાવી પણ શરૂઆતમાં જ નીતિન પટેલ જેવા કદાવર નેતાએ નારાજગી દર્શાવી ત્યારબાદ કઈ ને કઈ વિવાદો ચાલતા જ રહ્યા.

તાજેતરમાં ભાજપના સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે પણ રાજીનામુ ધરી દીધું હતું જો કે તેમને ભાજપે મનાવી લીધા પરંતુ એક વખતને માટે અંદર અંદરનો જ્વાળા બહાર તો આવ્યો. વિવિધ આંદોલનો અને વિરોધોના કારણે પણ રાજ્યની રૂપાણી સરકારની કામગીરી પર પ્રશ્નો ઉઠતા રહ્યા છે.

ભાજપના સંગઠનની પ્રક્રિયા પણ છેલ્લા કેટલાય મહિનાઓથી ટળી રહી છે, છાશવારે મુખ્યમંત્રી બદલાય છે તેવી અફવાઓ ચાલ્યા કરે છે આ પરિસ્થિતિમાં હવે વિપક્ષ પણ વર્તમાન ભાજપ સરકાર માટે મોટું સંકટ ઉભું કરી શકે છે. રૂપાણી સરકાર પ્રત્યે લોકોમાં નારાજગી તથા અધ્યક્ષના પક્ષપાતી વલણને કારણે હવે કોંગ્રેસ વિધાનસભામાં અવિશ્વાસની દરખાસ્ત લાવી શકે છે.

જો વિધાનસભામાં સંખ્યાબળ જોઈએ તો કોંગ્રેસ પાસે 73 ધારાસભ્યો, કોંગ્રેસ સમર્થીત અપક્ષ જીગ્નેશ મેવાણી, ભુપેન્દ્ર ખાંટ, બિટીપીના 2 ધારાસભ્યો એમ કુલ 77 ધારાસભ્યો થાય છે. આ ઉપરાંત એનસીપીના એક ધારાસભ્ય છે તો ભાજપ જોડે 104 ધારાસભ્યો છે. આમ કુલ 182 ધારાસભ્યોનું સંખ્યાબળ ધરાવતી ગુજરાત વિધાનસભામાં બહુમતી માટે 92 બેઠકો જરૂરી છે અને ભાજપ પાસે 104 ધારાસભ્યો છે.

જો કે ભાજપની આંતરિક નારાજગી, ખુરશીની ખેંચતાણ, અસંતોષ અને વિરોધના કારણે અંદરખાને 13- 14 ધારાસભ્યો જો પલટો મારે તો સત્તા ગુમાવવી પડે. કેન્દ્રમાં ભાજપની જ સરકાર છે ત્યારે હાલના તબક્કે આ અવિશ્વાસનો પ્રસ્તાવ પસાર થવો તો શક્ય નથી જણાઈ રહ્યો પરંતુ રાજનીતિ અનિશ્ચિતતાઓનો ખેલ છે અને ભાજપની અંદરોઅંદરની ગતિવિધિઓ પણ ઘણું કહી જાય છે તેવામાં જ આ અવિશ્વાસનો પ્રસ્તાવ લાવવો પણ કોંગ્રેસનો માસ્ટર સ્ટ્રોક જ કહેવાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *