કરોડોનું ઘર હોવા છતાં રસ્તા પર લારી લઈને છોલે- કુલચે વેચવા થઇ મજબુર.. કારણકે…

પરિસ્થિતિ બદલાતી રહે છે. ક્યારેક જિંદગી ખુશનુમા હોય છે તો પળભરમાં બદથી બદતર પણ થઇ જાય છે. ગજબ ખેલ છે, પરંતુ આ ક્રમ ચાલતો રહે છે. ઉર્વશી યાદવથી વધારે આ વાતને કોણ સમજી શકે. ક્યારેક ગુરુગ્રામમાં કરોડો રૂપિયાના આલીશાન ઘરમાં રહેતી ઉર્વશીની જિંદગીએ એવો વળાંક લીધો કે તેને રસ્તા પર છોલે- કુલ્ચે વેચવા માટે મજબુર થવું પડ્યું.

ઉર્વશીના લગ્ન ગુરુગ્રામના એક સંપન્ન પરિવારમાં થયા હતા. પતિ અમિત યાદવ એક મોટી કન્સ્ટ્રકશન કંપનીમાં સારી નોકરી કરી રહ્યા હતા. સારું ઘર, સુખ- સુવિધાઓ, ખુશ પરિવાર હતો.  તેમના ઘરની કિંમત ૩ કરોડ રૂપિયા જેટલી છે. બધું જ ૩૧ મે ૨૦૧૬ સુધી બરાબર ચાલી રહ્યું હતું પરંતુ ત્યારબાદ બધું જ બદલાઈ ગયું.

ઉર્વશીના પતિ એક ભયંકર એક્સીડેન્ટમાં ઘાયલ થઇ ગયા. ડોકટરોએ ઘણીવાર તેમની સર્જરી કરવી પડી. સર્જરી સફળ રહી પરંતુ ઘા ઊંડો હતો, જેના કારણે તેને પોતાની નોકરી છોડવી પડી.

અમિત પરિવારમાં એકમાત્ર કમાનારા વ્યક્તિ હતા. નોકરી ગયા બાદ કેટલોક સમય સુધી તો જમા રકમથી જેમ- તેમ કરીને ગુજારો કર્યો, પરંતુ ખર્ચા ઘણા વધારે હતા અને ક્માનારું કોઈ નહોતું. બાળકોની સ્કુલની ફી, ઘરનું રેશન, અમિતની દવા અને ખબર નહીં કેટલાય ખર્ચા હતા, જેને હવે બેંકમાં જમા પૈસાથી પુરા કરી શકાય તેમ નહોતું.

દિન પ્રતિદિન હાલત બગડતા જઈ રહ્યા હતા. ઉર્વશી બેચેન હતી, પરિવારમાં એક માયુસી ફેલાઈ ચુકી હતી. ભવિષ્ય વિશે વિચારીને પણ કંપારી થઇ ઉઠતી હતી. અમિતના ઘા હજુ તાજા હતા. તેવામાં ઉર્વશીએ પોતે કામ કરવાનો નિર્ણય લીધો.

આમ તો ઉર્વશી હાઉસવાઈફ હતી, પરંતુ તેનું અંગ્રેજી ઘણું સારું હતું. તેના કારણે તેણે એક નર્સરી સ્કુલમાં ટીચરની નોકરી મળી ગઈ હતી. સ્કુલમાં ભણાવવામાં પૈસા ઓછા મળતા હતા, પરંતુ કહેવાય છે ને કે ડૂબતાને તણખલાનો સહારો પણ ઘણો છે. બસ તે જ વિચારીને ઉર્વશીએ ભણાવવાનું ચાલુ રાખ્યું.

જો કે, ઉર્વશી પોતાની આ કમાણીથી ઘરનો ખર્ચો પૂરો નહોતો કરી શકતી. હવે તે એવું કરવા માંગતી હતી કે જેનાથી વધારે પૈસા કમાઈ શકાય. ઉર્વશીને સ્કુલમાં ભણાવવા સિવાય કોઈ બીજા કામનો અનુભવ નહોતો. ભણાવવાનું કામ પણ તેને અંગ્રેજીના લીધે જ મળી શક્યું હતું. અંગ્રેજી બાદ ખાવાનું બનાવવાની એક કળા એવી બાબત હતી જે ઉર્વશીને સારી રીતે આવડતી હતી. ઉર્વશીએ પણ પોતાની આ કળાને વ્યવસાયમાં બદલવાનું નક્કી કરી લીધું.

નિર્ણય થઇ ચુક્યો હતો, પરંતુ એક નાની દુકાન ખોલવા માટે પણ ઘણા પૈસાની જરૂર હોય છે. પૈસા હોત તો ઉર્વશીએ આજે આ બધું વિચારવા મજબુર જ શું કામ થવું પડ્યું હોત. પરંતુ ઉર્વશીએ તો તકલીફોને મ્હાત કરવાનું નક્કી કર્યું હતું. તેમણે છેલ્લે નિર્ણય કર્યો કે દુકાન નહીં તો કઈ નહીં પણ એક નાની લારી જરૂરથી ઉભી કરી શકે છે.

ઉર્વશીએ જયારે આ વિશે પોતાના પરિવારને જણાવ્યું તો સૌએ વિરોધ કર્યો. સૌએ ઉર્વશીને તેમ કહીને ના પાડી દીધી કે તે એક ભણેલી ગણેલી છોકરી છે અને એક સારા ઘરની છે, તેવામાં આમ રસ્તા પર લારી લગાવવું સારું નહીં લાગે. પણ ઉર્વશી એ વાતથી વાકેફ હતી કે તેને પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા માટે આ કામ કરવું જ પડશે.

બસ પછી તેણે રસ્તા પર લારી નાખીને છોલે-કુલ્ચે વેચવાના શરુ કરી દીધા. ગુરુગ્રામના સેક્ટર ૧૪ માં તેણે પોતાનું કામ શરુ કરી દીધું. આકરા તડકા અને ચૂલામાંથી નિકળેલી આગ ચામડીને સળગાવી રહી હતી, પણ સમયના મારને કારણે આ આગ પણ ઠંડી રાખ લાગતી હતી.

ઉર્વશીની મહેનત રંગ લાવી. તેના છોલે- કુલ્ચે તો લોકોએ પસંદ કર્યા જ પરંતુ તેના લહેકાથી પણ લોકો કાયલ થઇ ગયા. પહેલીવાર લોકોએ એક અંગ્રેજી બોલનારી છોકરીને લારી પર છોલે- કુલચે વેચતી જોઈ હતી. આ વાત દરેક દિશામાં ફેલાવા લાગી. દુર-દુરથી તેની પાસે ગ્રાહકો આવવા લાગ્યા. હાલત તે હતી કે શરૂઆતમાં જ તેને દરરોજ ૨ થી ૩ હજારનો વકરો થવા લાગ્યો.

ઉર્વશીએ ના માત્ર પોતાના પરિવારને સંભાળ્યો પરંતુ એક સફળ બિઝનેસવુમેન તરીકે પણ ઉભરી. આ દરમિયાન ઉર્વશીના પતિ સાજા થઈને કામ પર પરત ફર્યા. ધીમે- ધીમે  જીવન પાટે ચડવા લાગ્યું. બધું સારું થઇ ગયું તો ઉર્વશીએ પણ પોતાની નાની લારીને રેસ્ટોરાંમાં બદલી નાખી. આજે ઉર્વશીના રેસ્ટોરાંમાં છોલે-કુલચેની સાથે સાથે ખાવા-પીવાનો સામાન પણ મળે છે.

ખરેખર પરિસ્થિતિ બદલાતી રહે છે, જે જિંદગીને એક પળમાં જ બદથી બદતર થઇ જાય છે, તેને મહેનત અને ઉત્સાહથી એક ખુબજ સુંદર કહાની બનતા વાર નથી લગતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *