મેજર જનરલ માધુરી કાનિતકરે રચી દીધો ઈતિહાસ, બન્યા દેશના ત્રીજા મહિલા લેફ્ટનન્ટ જનરલ

આર્મ્ડ ફોર્સીસ મેડીકલ કોલેજ પુણેના પૂર્વ ડીન મેજર જનરલ માધુરી કાનિતકરે શનિવારે લેફ્ટનન્ટ જનરલના પદની કમાન સંભાળી. તે ભારતીય સેનાના ત્રીજા મહિલા અધિકાર અને પ્રથમ મહિલા બાળ રોગ વિશેષજ્ઞ છે, જેમને ફોર્સમાં બીજું સૌથી મોટું પદ મેળવવાનું ગૌરવ મળ્યું છે. આ અગાઉ મેજર જનરલ માધુરીએ નવી દિલ્હીમાં ડેપ્યુટી ચીફ ડિફેન્સ સ્ટાફ (DCIDS), મેડીકલનો કાર્યભાર સંભાળ્યો છે.

આ પદ હેઠળ માધુરીએ સંયુક્ત યોજના અને એકીકરણના માધ્યમથી સેવાઓની ખરીદી, પ્રશિક્ષણ અને સંચાલનમાં મહત્તમ તાલમેલ માટે ફાળવાયેલા બજેટનો યોગ્ય ઉપયોગ કરવાની જવાબદારી નિભાવવાની રહેશે. તમને જણાવી દઈએ કે સેનાના ઇતિહાસમાં એવું પ્રથમ વખત થયું છે જયારે પતિ અને પત્ની બન્ને સેનામાં જ લેફ્ટનન્ટ જનરલ રહ્યા હોય. માધુરીના પતિ રાજીવ કાનિતકર પણ લેફ્ટનન્ટ જનરલ રહ્યા છે. માધુરી છેલ્લા ૩૭ વર્ષોથી સેનામાં કાર્યરત છે.

ઉલ્લેખનીય છે કે, સર્જન વાઈસ એડમિરલ અને ભારતીય નૌસેના અને ભારતીય સેનાની પૂર્વ થ્રી સ્ટાર ફ્લેગ ઓફિસર પુનિતા અરોડા લેફ્ટનન્ટ જનરલનું પદ સંભાળનાર પ્રથમ મહિલા હતી, ત્યારબાદ ભારતીય વાયુ સેનાની મહિલા એર માર્શલ પદ્માવતી બંદોપાધ્યાય આ પદ સંભાળનાર બીજી મહિલા હતી અને હવે મેજર માધુરી કાનિતકર દેશના ત્રીજા મહિલા લેફ્ટનન્ટ જનરલ બન્યા છે.

કાનિતકરે ઐમ્સમાં પીડીયાટ્રીક નેફ્રોલોજીનું શિક્ષણ મેળવ્યું છે. આ ઉપરાંત માધુરી વડાપ્રધાનના વૈજ્ઞાનિક અને ટેકનિકલ સલાહકાર બોર્ડની પણ સદસ્ય છે. પુણેમાં AFMC ના ડીન તરીકે બે વર્ષમાં મહત્તમ સમય પૂરો કર્યા બાદ કાનિતકરે છેલ્લા વર્ષે મેજર જનરલ મેડીકલ, ઉધમપુરના રૂપમાં જવાબદારી સંભાળી હતી. માધુરીને ગત વર્ષે લેફ્ટનન્ટ જનરલના પદે પસંદ કરી જ લેવાયા હતા પરંતુ તેમણે શનિવારે આ પદ ખાલી થયા બાદ પદ ગ્રહણ કર્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *