અમદાવાદનું આ થિયેટર, ધરાવે છે એશિયાનો સૌથી મોટી સ્ક્રિન.. જાણો તેના વિશે !!

ફિલ્મ જોવા આમ તો દરેક જગ્યાએ થિયેટરો આવેલા છે, પણ અમુક મોટા શહેરોમાં જ ઓપન એર થિયેટર આવેલા છે. એશિયામાં ઘણા શહેરો છે પરંતુ એશિયાની સૌથી મોટી સ્ક્રિન ધરાવતું ઓપન એર થિયેટર હોય તો તે છે અમદાવાદનું ડ્રાઈવ ઈન સિનેમા. 1973માં શરૂ થયેલું ઓપન એર થિયેટર ‘સનસેટ ડ્રાઈવ ઈન’ આજે પણ ઘણું વિખ્યાત અને લોકપ્રિય છે.

નવી રીલીઝ તેમજ શનિવાર – રવિવારના દિવસોમાં આટલું મોટું થિયેટર હોવા છતાં રીતસરની લાઈનો લાગે છે, ટ્રાફિક થાય છે અને હાઉસફુલ પણ રહે છે, તે બાબત જ જણાવે છે કે ડ્રાઈવ ઇન સિનેમામાં આજેપણ લોકોનો પહેલા જેટલો જ ધસારો રહે છે. ડ્રાઈવ ઇન સિનેમા રેગ્યુલર બેઝ પર એટલે કે દર શુક્રવારે નવી ફિલ્મના શો રજુ કરે છે અને ભારતમાં તેવા ઘણા ઓછા ઓપન એર થિયેટરો છે જે રેગ્યુલર ધોરણે ચાલતા હોય.

Ad

ડ્રાઈવ ઇન સિનેમામાં મોકળાશ અને ઘરની જેમ જ બેસીને મોટી સ્ક્રિન પર ફિલ્મ જોવાની મજા માણી શકાય છે, ફિલ્મની સાથે પિકનિક પણ થઇ શકે. ડ્રાઈવ ઇન સિનેમામાં એક જ સમયે ૬૦૦૦ લોકો ફિલ્મ નિહાળી શકે તેટલી વિશાળ ક્ષમતા છે. ફોર વ્હીલર્સ માટે સિનેમામાં ગાડીમાં બેસીને જોઈ શકાય, ગાડીની બહાર ચટ્ટાઈ પાથરીને બેસી શકાય, આગળ બાંકડામાં બેસીને જોઈ શકાય, તેનાથી આગળ ગાર્ડનમાં બેસીને જોઈ શકાય અને ૧૦૦૦ લોકોની બેઠક ક્ષમતા ધરાવતું ઓડીટોરીયમ પણ છે. ડ્રાઈવ ઇન સિનેમામાં ૬૬૦ જેટલી ફોર વ્હીલર્સ આવી શકે તેવી ક્ષમતા છે.

જો કે ઓપન એર થિયેટર હોવા છતાં ત્યાં સાઉન્ડની કોઈ કમી અનુભવાય તેમ નથી, ઘણી સુવ્યવસ્થિત રીતે સમગ્ર થીએટરની જગ્યામાં JBL ના સ્પીકર્સ ગોઠવવામાં આવેલા છે. આ ઉપરાંત ડ્રાઈવ ઇન સિનેમામાં મોટી ફૂડ કોર્ટની પણ વ્યવસ્થા છે. ગાર્ડન હોય તેવું ડ્રાઈવ ઇન દેશનું એકમાત્ર ઓપન એર થિયેટર છે.

ડ્રાઈવ ઇન સિનેમાની સ્ક્રિન એશિયાની સૌથી મોટી છે, જેની પહોળાઈ ૧૪૨ ફૂટ અને ઉંચાઈ ૬૩ ફૂટ એટલે કે છ માળ જેટલી છે. આ સ્ક્રિન આખી આરસીસીની બનાવવામાં આવેલી છે. ડ્રાઈવ ઇન સિનેમામાં રોજના બે શો રજુ થાય છે. સ્વાભાવિક છે કે, ઓપન એર થીએટર હોવાના કારણે સાંજ પછી જ શો રજુ થતા હોય છે.

સામાન્યપણે ડ્રાઈવ ઇન સિનેમામાં સાંજે ૦૭ : ૩૦ એ પ્રથમ અને ૧૦:૩૦ એ બીજો શો રજુ થતો હોય છે. ડ્રાઈવ ઇન સિનેમામાં ટીકીટના દર ઘણા ઓછા હોવાથી પણ અહિયાં લોકોનો ધસારો વધુ જોવા મળતો હોય છે. ખુલ્લા આસમાન નીચે, કુદરતી વાતાવરણમાં, આરામ કરતાં કરતાં ફિલ્મ જોવાની મજા માણવી હોય તો ડ્રાઈવ ઇન સિનેમાનો અનુભવ લેવા જેવો છે. ડ્રાઈવ ઇન સિનેમા અમદાવાદ શહેરના આકર્ષણોમાંથી એક છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *