SBI ના ચેરમેને જણાવ્યું કે Yes Bank ને કેવી રીતે બચાવાશે ?

સંકટમાં આવેલી યસ બેન્કને બચાવવા માટે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે એસબીઆઈ મદદનો હાથ આગળ વધારી શકે છે. યસ બેન્કના ૪૯ ટકા શેર એસ.બી.આઈ. ખરીદી શકે છે. એસ.બી.આઈ. ના ચેરમેન રજનીશ કુમારે સાત માર્ચે મુંબઈમાં કહ્યું કે તેઓ યસ બેંકમાં ૨૪૫૦ કરોડ રૂપિયાનું રોકાણ કરવા જઈ રહ્યા છે. એસ.બી.આઈ. ની લીગલ ટીમ તેના પર કામ કરી રહી છે. સ્ટોક એક્સચેન્જને આ અંગે જાણકારી આપી દેવામાં આવી છે. જો કે અંતિમ નિર્ણય એસ.બી.આઈ. નું બોર્ડ કરશે.

૩ એપ્રિલની પહેલા થઇ શકે છે રોકાણ

રજનીશ કુમારે કહ્યું કે યસ બેંકમાં રોકાણને લઈને ૯ માર્ચે એસ.બી.આઈ. ની ટીમ રીઝર્વ બેન્કની પાસે જશે. આશા છે કે ૩ એપ્રિલની પહેલા જ રોકાણને મંજુરી મળી જશે. રજનીશે યસ બેંકમાં રોકાણને લઈને એસ.બી.આઈ.ના ગ્રાહકો અને શેરધારકોને પણ ભરોસો વ્યક્ત કરાવ્યો. તેમણે કહ્યું કે એસ.બી.આઈ. ના રોકાણકારોએ ડરવાની જરૂર નથી. આ રોકાણથી એસ.બી.આઈ. ની કેપિટલ પર ફરક નહીં પડે. આવા રોકાણ બેંક કરતી રહે છે.

રજનીશ કુમારે આ અંગે વધુમાં જણાવ્યું છે કે, આપણે એ વાતનું પણ ધ્યાન રાખવું પડશે કે કોઈપણ બેંકના ડૂબવાથી ઘણા પરિણામો ભોગવવા પડે છે. એટલે એસબીઆઈ યસ બેન્કની સાથે ઉભી રહેશે તો તેનાથી ફરક પડશે. કોઇપણ સંસ્થા ભલે તેની માલિક કોઇપણ હોય પણ તે રાષ્ટ્રીય સંપત્તિ છે. દેશની સૌથી મોટી બેન્કના રૂપમાં અમારી પણ જવાબદારી છે. કોઈ વ્યક્તિની ભૂલની સજા કોઈ સંસ્થાને કેમ મળે ?

રજનીશ કુમારે યસ બેંકના ખાતાધારકોને ભરોસો અપાવ્યો. તેમણે કહ્યું કે જે લોકોના રૂપિયા યસ બેંકમાં છે, તેમણે ડરવાની જરૂર નથી. તેમના પૈસાને કોઈ જોખમ નથી. કેટલાક દિવસની વાત છે આ સંકટ દુર થઇ જશે.


રીઝર્વ બેન્કે ૫ માર્ચે યસ બેંક પર પ્રતિબંધ મુક્યો હતો. તેનું બોર્ડ ભંગ કરવાની સાથે જ ૩૦ દિવસ માટે કામકાજ પોતાના હાથમાં લઇ લીધું હતું. ખાતેદારોને રૂપિયા ઉપાડવાની લીમીટ પણ ૫૦ હજાર રૂપિયા સુધી ફિક્સ કરી દીધી છે. નાણામંત્રી નિર્મલા સીતારમને પણ આ પગલા પછી કહ્યું હતું કે રૂપિયા નીકાળવા પર રોક કેટલાક સમય માટે જ છે. ૩ એપ્રિલ સુધીમાં યસ બેન્કની સમસ્યાનું સમાધાન શોધી લેવાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *