હાર્દિક પટેલ આ વખતે નહીં બની શકે રાજ્યસભા સાંસદ.. છે આ મોટું કારણ

ગુજરાતમાં પાટીદાર આંદોલનથી ઉભરી આવેલા યુવા નેતા હાર્દિક પટેલનું નામ રાજ્યસભા સાંસદની રેસમાં હોવાની ચર્ચા ચાલી હતી, અમુક માધ્યમો દ્વારા હાર્દિક પટેલનું નામ ચલાવી ગેર સમજ ઉભી કરવામાં આવી રહી હતી તો ઘણા માધ્યમો તો હાર્દિક પટેલનો રાજ્યસભા સાંસદ માટે અંદરખાને વિરોધ હોવા સુધીની અફવાઓ ફેલાવવા લાગ્યા હતા.

ત્યારે હાર્દિક પટેલ ઈચ્છે, દરેક ધારાસભ્ય ઈચ્છે અને પક્ષ ઈચ્છે તો પણ તે રાજ્યસભા સાંસદ બની ના શકે, તેની પાછળ કોઈનો વિરોધ કે કોઈ અન્ય બાબત નહીં પણ રાજ્યસભા સાંસદ બનવા માટેનો મિનિમમ ક્રાઇટેરિયા છે. ઉલ્લેખનીય છે કે ૨૦૧૭ ની વિધાનસભા ચૂંટણી દરમિયાન પણ હાર્દિક પટેલ પર તે ધારાસભા બેઠકથી લડવા માટે આંદોલન કરી રહ્યો હોવાના આક્ષેપો થતા હતા પરંતુ તેના માટે કમસેકમ ૨૫ વર્ષ ઉમર હોવી જોઈએ અને જે તે સમયે હાર્દિકની ઉંમર ૨૪ વર્ષ હતી એટલે તે ચૂંટણી જ ના લડી શકે.

ત્યારે રાજ્યસભા સાંસદ બનવા માટે પણ લઘુત્તમ ઉંમર ૩૦ વર્ષ હોવી જોઈએ અને હાર્દિક પટેલની ઉંમર હાલમાં ૨૬ વર્ષ છે તેથી તે રાજ્યસભા સાંસદ બનવું હોય, મંજુરી અને સમર્થન હોય તો પણ હાલમાં બની ના શકે તે એક સીધી અને સ્પષ્ટ બાબત છે. ત્યારે કોંગ્રેસના અનેક સિનીયર નેતાઓ રાજ્યસભા ચૂંટણી લડવા માટેની લાઈનમાં હાલ છે.

જેમાં મધુસુદન મિસ્ત્રી રનીંગ સાંસદ છે અને તેઓ રીપીટ થઇ શકે છે તો આ વખતે વધારે ધારાસભ્યો હોવાથી કોંગ્રેસ વધુ એક બેઠક પર જીત મેળવી શકે છે તેથી બીજી બેઠક પર અનેક નવા નામોની ચર્ચા થઇ રહી છે અને તેમાં ભરતસિંહ સોલંકી કે જેમના નેતૃત્વમાં કોંગ્રેસને વિધાનસભાની છેલ્લા કેટલાય વર્ષોમાં મહત્તમ બેઠકો મળી અને જેના કારણે આજે કોંગ્રેસ રાજ્યસભામાં ભાજપ જેટલી જ બેઠકો મેળવવા સક્ષમ બન્યું છે તેમનું નામ પણ સૌથી આગળ ચાલી રહ્યું છે.

તો કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ ટ્વીટ કરીને જ જણાવ્યું હતું કે તેઓ રાજ્યસભાની રેસમાં નથી, આમ તેમણે પોતાના નામની ચાલી રહેલી ચર્ચાઓ અને અટકળો પર અંત લાવી દીધો હતો. વધુમાં જોવા જઈએ તો શક્તિસિંહ ગોહિલનું પણ રાજ્યસભા માટે નામ ચર્ચામાં છે. ત્યારે આવનારી ૨૬ માર્ચે યોજાનારી રાજ્યસભા ચૂંટણી માટે હવેના સપ્તાહમાં ફોર્મ ભરાવાના શરુ થશે ત્યારે છેલ્લી ઘડીએ જ એ સસ્પેન્સ પરથી પડદો ઉઠી શકે છે કે કોણ બનશે ગુજરાતમાંથી રાજ્યસભા સાંસદ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *