ગુજરાતમાં ૮ વિધાનસભા બેઠકો પર ધમધમાટ શરુ, જાણો ક્યારે યોજાશે પેટા ચૂંટણી..

ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી અગાઉ ૮ વિધાનસભા બેઠકો પર કોંગ્રેસના ધારાસભ્યોએ રાજીનામાં આપી દીધા હતા, જેના કારણે બેઠકો ખાલી પડતા હવે પેટા ચૂંટણી યોજવાની તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે.હાલમાં ગુજરાતમાં કુલ ૧૦ બેઠકો ખાલી છે જેમાં ૨ બેઠકોનો ચુકાદો સુપ્રીમ કોર્ટથી આવવાનો બાકી છે તો ૮ બેઠકો રાજીનામાંને કારણે ખાલી છે. આ ઉપરાંત ધોળકા વિધાનસભા બેઠક અંગે હાઈકોર્ટનો ચુકાદો તો આવી ગયો હતો પરંતુ સુપ્રિમ કોર્ટથી સ્ટે મળવાને કારણે ભુપેન્દ્રસિંહ ચુડાસમાનું ધારાસભ્ય પદ યથાવત જ છે.

૮ વિધાનસભામાં ધારીથી જેવી કાકડિયા, લીમડીથી સોમા પટેલ, ગઢડાથી પ્રવીણ મારુ, અબડાસાથી પ્રદ્યુમનસિંહ જાડેજા, કરજણથી અક્ષય પટેલ, ડાંગથી મંગળ ગાંવિત, કપરાડાથી જીતું ચૌધરી, મોરબીથી બ્રિજેશ મેરજા રાજીનામાં આપી દેતા આ બેઠકો ખાલી પડી છે.

આ રાજીનામાં ૧૭ માર્ચથી પડવાના શરુ થયા હતા ત્યારે તેના ૬ મહિનાની અંદર એટલે કે ૧૭  સપ્ટેમ્બર અગાઉ પેટા ચૂંટણી થઇ જવી જરૂરી છે. ત્યારે રાજકીય વર્તુળોમાં ચાલી રહેલી ચર્ચા અનુસાર ઓગસ્ટ મહિનાના અંતમાં પેટા ચૂંટણી યોજાઈ શકે છે અને તેની જાહેરાત ચાલુ મહીને એટલે કે જુલાઈના અંતમાં અથવા તો ઓગસ્ટની શરૂઆતમાં થઇ શકે છે.

આ ૮ બેઠકો અગાઉ કોંગ્રેસની જ હતી, ૨ બેઠકો પર સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવવાનો બાકી છે અને ખાલી પડેલી છે તેમાં મોરવા હડફ અને દ્વારકા બેઠકનો સમાવેશ થાય છે. જેમાં મોરવા હડફના ધારાસભ્ય ભુપેન્દ્રસિંહ ખાંટ અપક્ષ ચૂંટણી લડીને જીત્યા હતા અને બાદમાં કોંગ્રેસમાં જોડાયા તો દ્વારકા બેઠક પર ભાજપના ધારાસભ્ય તરીકે પબુભા માણેક વિજેતા જાહેર થયા હતા.

આ ઉપરાંત ધોળકા બેઠકની ચૂંટણીને હાઈકોર્ટે રદ્દ જાહેર કરી હતી પરંતુ સુપ્રીમ કોર્ટે આ ચુકદા પર સ્ટે આપ્યો હતો. આ બેઠક પર ભાજપના ધારાસભ્ય ભુપેન્દ્રસિંહ ચુડાસમા વિજેતા જાહેર થયા હતા.

ત્યારે હાલમાં જે ૮ બેઠકો ખાલી છે તે તમામ પર કોંગ્રેસના ધારાસભ્યો હતા અને તેના પર જ ચૂંટણી યોજાય તેવી શક્યતાઓ છે, પેટા ચૂંટણીમાં મહત્તમ બેઠકો જીતવા ભાજપ અને કોંગ્રેસે કમર કસી છે. ભાજપ અને કોંગ્રેસ દ્વારા બેઠક દીઠ પ્રભારીઓની જાહેરાત કરવામાં આવી છે.

આ ઉપરાંત દરેક બેઠકો પર સહપ્રભારીઓ અને માઈક્રો મેનેજમેન્ટ સાથે વિવિધ આગેવાનોને જવાબદારી સોંપવાની કવાયત પણ હાથ ધરવામાં આવી છે અને સત્તામાં રહેલી ભાજપ દ્વારા ૮ બેઠકો માટે જાહેરાત કરવામાં આવતા મોરવા હડફ બેઠકની પેટા ચૂંટણી આ વખતે યોજાય તેવી શક્યતા નથી જોવા મળી રહી.

રાજ્યમાં ખેડૂતો સહીત વિવિધ પડતર પ્રશ્નો, વિદ્યાર્થીઓના વિરોધ, કોરોના મહામારીની કામગીરીમાં વિપક્ષની આક્રમક ભૂમિકા તથા સરકારની કામગીરી અને વલણ સામે ઉભા થયેલા પ્રશ્નો તથા અનેક સ્થાનિક સમસ્યાઓ વચ્ચે હવે પેટા ચૂંટણીમાં પણ કોંગ્રેસ આક્રમક વલણ સાથે ઉતરવા જઈ રહી છે, મહત્તમ બેઠકો ગ્રામ્ય વિસ્તારની હોવાથી ભાજપ માટે પણ કપરા ચડાણ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *