ગુજરાતમાં કોંગ્રેસ રાજ્યસભાની બન્ને બેઠકો પર આસાનીથી જીતી જશે, બદલાયું આ ગણિત..

ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીનો માહોલ પુરજોશમાં જામેલો અને તેવામાં જ કોરોના મહામારીના ફેલાવાને કારણે રાજ્યમાં અને દેશમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું, માર્ચ મહિનામાં યોજાનારી રાજ્યસભાની ચૂંટણી મુલતવી જાહેર કરવામાં આવી હતી પરંતુ હવે લોકડાઉન ખત્મ થતા અને અનલોક શરુ થતા અનેક ગતિવિધિઓને મંજુરી આપવામાં આવી રહી છે.

અનલોક ૦૧ ની જાહેરાત સાથે જ રાજ્યસભાની ચૂંટણી પણ જાહેર થઇ છે, કોરોનાના કહેરની વચ્ચે હવે ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી ૧૯ જુનના રોજ યોજાશે. રાજ્યસભાની ચાર બેઠકો ખાલી પડી છે જેમાં કોંગ્રેસમાંથી મધુસૂદન મિસ્ત્રી, જ્યારે ભાજપમાંથી શંભુપ્રસાદ ટુંડિયા, લાલસિંહ વડોદિયા અને ચુનીભાઈ ગોહેલ નિવૃત્ત થનાર છે.

ગુજરાતમાંથી રાજ્યસભાના ચાર સભ્યો ચૂંટણી માટે તા. 19 મી જૂને મતદાન યોજાશે અને એજ દિવસે સાંજે પાંચ કલાકે મતગણતરી હાથ ધરાશે. ગુજરાતમાં રાજ્યસભાની 11 સીટ છે. ભાજપે પહેલા અને બીજા ઉમેદવાર તરીકે અભય ભારદ્વાજ અને રમિલાબહેન બારાની નામની જાહેરાત કરી છે તો ત્રીજા ઉમેદવાર તરીકે નરહરી અમીનના નામની જાહેરાત કરી છે.

તો કોંગ્રેસે રાષ્ટ્રીય પ્રવક્તા શક્તિસિંહ ગોહિલ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકીના નામની જાહેરાત કરી છે. આમ ચાર બેઠકો પર યોજાનારી ચૂંટણીમાં કુલ ૫ ઉમેદવારો મેદાનમાં છે અને કોઈ એક ઉમેદવારની હાર નિશ્ચિત ગણવામાં આવી રહી છે ત્યારે બન્ને પક્ષો પોતાના ઉમેદવાર જીતશે તેવા દાવા કરી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે ગણતરીના દિવસો અગાઉ જ રાજ્યસભાની ચૂંટણી મુલતવી રહેવાની જાહેરાત અગાઉ ભાજપના ત્રીજા ઉમેદવારને જીતવા માટે પૂરતા મતો ખૂટતા હતા તેવામાં કોંગ્રેસના પાંચ ધારાસભ્યોને તોડવામાં આવ્યા હતા. જેવી કાકડિયા, પ્રદ્યુમ્નસિંહ જાડેજા, સોમાભાઈ પટેલ, મંગળ ગામીત અને પ્રવીણ મારુંએ પક્ષ સાથે છેડો ફાડતા ભાજપના ત્રીજા ઉમેદવાર માટે ઉજળા સંજોગો દેખાતા હતા.

પરંતુ ત્યારબાદ કોંગ્રેસ પાસે ૬૮ ધારાસભ્ય+૧ જીગ્નેશ મેવાણી એમ કુલ ૬૯ ધારાસભ્યોનું સંખ્યાબળ રહ્યું છે તો ભાજપ પાસે ૧૦૩ ધારાસભ્યો +૧ એનસીપી એમ કુલ ૧૦૪ ધારાસભ્યોનું સંખ્યાબળ છે. તો ભારતીય ટ્રાઇબલ પાર્ટીના ૨ ધારાસભ્યોએ હજુ કોના તરફ રહેવું તેવી કોઈ જાહેરાત કરી નથી.

પ્રત્યેક ઉમેદવારને રાજ્યસભા સાંસદ બનવા માટે ૩૬ ધારાસભ્યોના મત જરૂરી છે, ત્યારે ભાજપના ૨ ઉમેદવારોને ૭૨ એકડા મળ્યા બાદ ત્રીજા ઉમેદવાર માટે ૩૨ મત બચે છે. તો કોંગ્રેસના એક ઉમેદવારને ૩૬ મત મળ્યા બાદ ૩૩ મત બચે છે. આમ કોંગ્રેસ પાસે હાલ ભાજપ કરતા તો એક વોટ વધારે છે પરંતુ આ પરિસ્થિતિમાં નિર્ણાયક ભૂમિકા ભજવશે બીટીપીના ધારાસભ્યો.

ભારતીય ટ્રાઇબલ પાર્ટીને ૨૦૧૭ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે ૫ બેઠકો ગઠબંધનમાં ફાળવી હતી પરંતુ તેમાંથી બીટીપી માત્ર ૨ જ બેઠકો પર જીતી શક્યું. ઝઘડિયા સીટ પર છોટુ વસાવા અને ડેડીયાપાડા બેઠક પર મહેશ વસાવા. જો આ બન્ને ધારાસભ્યો ભાજપની તરફેણમાં જાય તો ભાજપના કુલ વોટ થઇ જાય ૩૨+૨ = ૩૪ અને કોંગ્રેસના બીજા ઉમેદવારના વોટ રહી જાય ૩૩ અને જો આ બે ધારાસભ્યો કોંગ્રેસની તરફેણમાં જાય તો કોંગ્રેસના કુલ વોટ થઇ જાય ૩૫ અને ભાજપના રહી જાય ૩૨ જ.

જાણો કેમ બીટીપીના મત મળી શકે છે કોંગ્રેસને

એક સમયે બીટીપી પર શંકા હતી કે તેઓ કોઈ સંજોગોમાં ભાજપને પણ મત આપી શકે છે પરંતુ કોંગ્રેસના ટેકાથી ધારાસભ્ય બનેલા છોટુ વસાવા અને મહેશ વસાવા હવે કોંગ્રેસની તરફેણમાં મત આપે એવા પ્રબળ સંજોગો ઉભા થયા છે. હાલની રાજકીય પરિસ્થિતિ અનુસાર કોંગ્રેસ કરતા તેઓને કોંગ્રેસ તરફ રહેવું પડે તે હાલત ઉભી થઇ છે.

તેનું મુખ્ય કારણ છે કેવડીયામાં ઉભો થયેલો મુદ્દો. નર્મદા જિલ્લાના કેવડિયામાં આદિવાસીઓની જમીનના મુદ્દદો મોટાપાયે ચર્ચામાં છે. કેવડીયામાં સ્થાનિકો અને તંત્ર સામસામે આવ્યા હોવાનું પણ જોવા મળી રહ્યું છે ત્યારે બીટીપી દ્વારા પણ સરકાર સામે મોટાપાયે આ ઘટના સામે રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે તો આદિવાસી ધારાસભ્યોએ પણ ભાજપ સરકાર સામે વિરોધ નોંધાવ્યો હતો.

કેવડિયાના આદિવાસી સમાજના ઈશ્યુ અને પરિસ્થિતિ વચ્ચે જો આદિવાસી સમાજના બી.ટી.પી. ના ધારાસભ્યો સ્થાનિક લેવલે સરકારનો વિરોધ કરે અને રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારને મત આપે તો આવતી ચૂંટણીમાં તેમજ પોતાના વિસ્તારમાં રાજનીતિ કરવામાં મોટા પડકાર અને વિરોધનો સામનો કરવો પડે.

તેથી હાલમાં ભાજપ સરકાર સામેનો વિરોધ દર્શાવવા સાથે જેમની સાથે ગઠબંધનમાં રહીને ધારાસભ્ય બન્યા છે તે કોંગ્રેસના ઉમેદવારને મત આપી વિજયી બનાવવાની તક છે. તો કોંગ્રેસને પણ હાલ ૨ મતો મળી જાય તો આસાનીથી જીત થઇ શકે.

આમ હવે રાજકીય નિષ્ણાંતોના ગણિત અનુસાર બીટીપીના બન્ને મતો કોંગ્રેસની તરફેણમાં જાય તેવા સંજોગો ઉભા થયા છે અને તેથી કોંગ્રેસ આસાનીથી રાજ્યસભાની બન્ને બેઠકો પર જીત મેળવી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *