ગુજરાતના કોંગ્રેસના ધારાસભ્યોને લઇ જવાયા રાજસ્થાન.. આ છે કારણ

ગુજરાતમાંથી કોંગ્રેસના ૨૦ જેટલા ધારાસભ્યોને રાજસ્થાનના જયપુર અથવા ઉદયપુર ખાતે લઇ જવામાં આવી રહ્યા છે. કારણકે રાજ્યમાં આવનારા દિવસોમાં રાજ્યસભાની ચૂંટણીને લઈને હોર્સ ટ્રેડીંગની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે અને કોંગ્રેસના ધારાસભ્યોને ભાજપ પોતાના પક્ષમાં લઇ જવા માંગતી હોવાનું પણ કહેવામાં આવી રહ્યું છે.

ભાજપ ગુજરાતમાં રાજ્યસભાની ૨ સીટો જ જીતી શકે તેમ હોવા છતાં ત્રીજો ઉમેદવાર ઉતારીને કોંગ્રેસના ધારાસભ્યોને ભાજપમાં લઇ જઈ વોટ મેળવવા માંગે છે. ભાજપ ભલે એમ કહેતું હોય કે કોંગ્રેસના ધારાસભ્યો સામેથી ભાજપમાં આવવા માંગે છે પણ પડદા પાછળની હકીકત તો હવે સૌને સમજાય જ છે. ત્યારે આ પરિસ્થિતિમાં કોંગ્રેસના ધારાસભ્યો કોઇપણ પ્રકારે તૂટે કે ભાજપમાં ના જાય તે માટે તેમના સંપર્કથી દુર રાજસ્થાન લઇ જવામાં આવી રહ્યા છે.

ગુજરાતમાં રાજ્યસભાની ચાર બેઠકોની ચૂંટણીમાં કોંગ્રેસમાંથી ભરતસિંહ સોલંકી અને શક્તિસિંહ ગોહિલ મેદાને છે તો ભાજપમાંથી રમીલાબેન બારા, અભય ભારદ્વાજ અને નરહરી અમીનને ઉતારવામાં આવ્યા છે. રાજ્યમાં ૨૬ માર્ચે રાજ્યસભાની ચૂંટણીનું મતદાન અને ગણતરી હાથ ધરવામાં આવશે, ત્યાં સુધીમાં કોંગ્રેસના મોટાભાગના ધારાસભ્યોને કોંગ્રેસ શાસિત રાજ્યમાં શિફ્ટ કરી દેવામાં આવશે તેમ જણાઈ રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *