તો શું હાર્દિક પટેલના કારણે સુરતમાં ભાજપે રેલી રદ્દ કરવા થવું પડ્યું મજબુર? જાણો

ગુજરાત પ્રદેશ ભાજપના નવનિયુક્ત અધ્યક્ષ સી.આર. પાટિલ દિલ્હી જઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ સાથે મુલાકાત કરીને ગુજરાત પરત ફરે ત્યારે સુરતમાં તેમના સ્વાગતમાં રેલીનું આયોજન ભાજપ દ્વારા કરવામાં આવ્યું હતું.

પહેલા એરપોર્ટથી ભાજપ કાર્યાલય બાદ રૂટ બદલીને વરાછા- કતારગામના વિસ્તારમાં રેલીની તૈયારીઓ કરવામાં આવી હતી અને પ્રદેશ ભાજપ દ્વારા મંજુરી મળ્યા પહેલા તો રૂટ પણ જાહેર કરી દેવામાં આવ્યો હતો.

જો કે કોરોનાના કપરા સમયમાં એકબાજુ સરકાર અને ભાજપ લોકોને ઘરે રહેવાની સલાહો આપતા હોય અને બીજી તરફ ભીડ ભેગી કરી રેલી કરતા હોય ચોમેર ટીકા અને વિરોધ થતા આખરે રેલી રદ્દ કરી દેવામાં આવી.

હવે કોરોનાની પરિસ્થિતિ તો અનેક મહિનાઓથી છે અને રથયાત્રા, અમરનાથ યાત્રા જેવી ધાર્મિક યાત્રાઓને પણ મંજુરી ના મળી હોય તો પણ ભાજપ દ્વારા રેલીનું આયોજન જ કેમ કરવામાં આવ્યું? શું આયોજન કરતી વખતે ભાજપ અતિઆત્મવિશ્વાસમાં હતી? શું ત્યારે કોરોનાનો ડર નહોતો?

રેલી રોકવાની જાહેરાત કર્યા બાદ નવસારીથી ભાજપના સાંસદ અને ગુજરાત ભાજપના પ્રમુખ સીઆર પાટીલે સુરત એરપોર્ટ પર મીડિયા સાથે વાતચીત કરી. આ દરમિયાન પાટીલે કોરોના વાયરસના કારણે રેલી રોકવાની વાત કરી. તેમણે કહ્યું કે ભાજપ સમર્થકોની સુરક્ષા અને સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખતા રેલી રદ્દ કરી છે.

તો સુત્રોના જણાવ્યા અનુસાર આ રેલીની તૈયારી બે દિવસથી કરવામાં આવી રહી હતી. સુરત ભાજપના નેતાઓએ આ કાર્યક્રમ ૨ દિવસ પહેલા જ મીડિયાને જણાવ્યો હતો. જો કે શુક્રવાર સવારથી જ સી આર પાટીલની રેલીની પહેલા જ સુરતના પાટીદાર સમાજ તરફથી હાર્દિક પટેલે કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ બનાવવને લઈને સ્વાગત અને અભિવાદનમાં એક રેલી નીકાળવાની મંજુરી માંગવામાં આવી.

આ ઉપરાંત કોંગ્રેસ પ્રમુખ અમીત ચાવડાએ પણ પ્રેસ કોન્ફરન્સ કરીને ભાજપ અને સરકાર પર પ્રહાર કર્યા હતા, તેમણે જણાવ્યું હતું કે શું ભાજપ માટે અને સામાન્ય લોકો માટે કાયદા અલગ અલગ છે? ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ તો કાયદાનું ઉલ્લંઘન કરવા પંકાયેલા છે પણ રાજ્યના મુખ્યમંત્રી તરીકે વિજય રુપાણીએ આવા આયોજન રોકવા જોઈએ.

સ્પષ્ટ છે કે જો સી આર પાટીલની રેલી નીકળી હોત તો હાર્દિક પટેલની રેલી નીકાળવાની પણ મંજુરી આપવી પડેત. કહેવામાં આવી રહ્યું છે કે હાર્દિક પટેલની માંગણીને લઈને પોલીસ પણ અસમંજસમાં મુકાઈ ગઈ હતી.

આ ઉપરાંત સી.આર. પાટીલ બાદ હાર્દિકની રેલીમાં વધારે લોકો જોડાય તો ભાજપ કરતા હાર્દિક પટેલનું કદ વધી જાય. તો શુક્રવારે સી આર પાટીલની સ્વાગત રેલીમાં મોટી સંખ્યામાં ભીડ ભેગી થઇ હતી, સોશિયલ ડીસ્ટન્સના લીરેલીરા ઉડી ગયા હતા. જો કે બાદમાં પાટીલે પોતે જ રેલીને રદ્દ કરી દીધી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *