ઉદ્યોગપતિઓની 68 હજાર કરોડની લોન માંડવાળ કરનાર સરકાર ખેડૂતોની લોન માફ કરે: અમીત ચાવડા

ગુજરાત સહીત દેશભરમાં લોકડાઉનની પરિસ્થિતિ છે ત્યારે અનેક દિવસોથી કામ –ધંધા- રોજગાર બંધ રાખીને ઘરે રહીને કોરોનાણે મ્હાત કરવાની લડાઈમાં સરકારને સહકાર આપી રહેલી સામાન્ય જનતાના વિવિધ પ્રશ્નો- સમસ્યાઓને લઈને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમીત ચાવડા દ્વારા ફેસબુક લાઈવના માધ્યમથી મિડિયાના મિત્રો અને લોકો સાથે જોડાઈ સરકાર સમક્ષ પ્રશ્નો અને માંગણીને લઈને રજૂઆત કરવામાં આવી.

જેમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમીત ચાવડાએ જણાવ્યું હતું કે, ‘’૩૦ જાન્યુઆરીએ WHO દ્વારા દેશની સરકારને ચેતવણી આપવામાં આવી,૧૨ મી ફેબ્રુઆરીએ શ્રી રાહુલ ગાંધીએ પણ ટ્વીટના માધ્યમથી સરકારનું ધ્યાન દોર્યું તથા અનેક નિષ્ણાંતોએ સરકારને સાવચેતીના પગલા લેવા ચેતવી પરંતુ તે વખતે ગુજરાત સરકાર ૧૦૦ કરોડ રૂપિયા ખર્ચી નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમમાં લાખોની ભીડ ભેગી કરવામાં વ્યસ્ત હતી, કોંગ્રેસના ધારાસભ્યોને ખરીદવામાં વ્યસ્ત હતી સરકારે ધ્યાન ના આપતા ધીમે ધીમે આ મહામારીએ ભરડો લીધો છે.

  • જે પ્રકારે સરકારે દેશની બેન્કોને ડૂબાડનાર વિજય માલ્યા, નિરવ મોદી, મેહુલ ચોકસી અને બાબા રામદેવ જેવા ૫૦ જેટલા ઉદ્યોગપતિઓને દેશની સરકારે ૬૮,૬૦૦ કરોડ રૂપિયા જેટલી માતબર રકમ માંડવાળ કરી છે તો ગુજરાતના ખેડૂતોના સંપૂર્ણ દેવાની માફી કરવામાં આવે. તેમજ ગુજરાતના નાના વેપારી, ધંધો વેપાર કરનારાઓને પણ ધિરાણ પર ૧ વર્ષ સુધી વ્યાજની માફી કરવામાં આવે.
  • ગુજરાતના જે નાગરિકો અચાનક ૨૪ તારીખે લોકડાઉન જાહેર થતા વાહનવ્યવહાર સુવિધા બંધ થવાના કારણે અન્ય રાજ્યોમાં ફસાયેલા છે તેમને પરત લાવવામાં આવે. ગુજરાતમાં અન્ય રાજ્યના પરપ્રાંતીયો લોકડાઉનના કારણે ફસાયેલા છે તેમને મેડીકલ ટેસ્ટ કરી પરત મોકલવામાં આવે. રાજ્યના જે નાગરિકો ગુજરાતમાં જ અન્ય જીલ્લામાં ફસાયેલા છે અને વતન જવા માંગતા હોય તેમની મેડીકલ તપાસ કરી વતન જવાની મંજુરી આપવી જોઈએ.”

વધુમાં અમીત ચાવડાએ જણાવ્યું હતું કે, ૧૯ માર્ચે ગુજરાતમાં કોરોનાનો પ્રથમ કેસ અને આ ૪૧ દિવસમાં જનતા કર્ફ્યું, લોકડાઉન -૦૧ અને ૦૨ પછી ગુજરાતમાં ૪૦૮૨ જેટલા પોઝીટીવ કેસ, ૫૨૭ લોકો રીકવર થયા, ૧૧૭ લોકોના મૃત્યુ પામ્યા છે.ગુજરાતમાં ૪૧ દિવસમાં કુલ ૫૬ હજાર ટેસ્ટ કરવામાં આવ્યા છે. એટલે સરેરાશ દૈનિક ૧૩૦૦-૧૩૫૦ લોકોનું ટેસ્ટીંગ થયું છે. જો રોજના ૫ હજાર કરતા વધારે લોકોનું ટેસ્ટીંગ થશે તો લોકોને બચાવી શકીશું. વારેવારે મીડિયામાં આવતા, મોટા મોટા ભાષણો આપતા ભાજપના નેતાઓ આ સંકટના સમયે ક્યાં છુપાઈ ગયા છે?

રાજ્યના મુખ્યમંત્રી જાહેરાત કરે અને અધિકારીઓ બીજા દિવસે બદલી નાખે. તો શું સરકાર પ્રજાના પ્રતિનિધિઓ ચલાવે છે કે અધિકારીઓ ? લોકો કોની વાત પર વિશ્વાસ મુકે ? સરકારી હોસ્પિટલોમાં પુરતી સુવિધા નથી, બેડ નથી, આવશ્યક સેવા નથી મળતી. ખાનગી હોસ્પિટલો આઠ લાખ સુધીની ફી લેવાની વાત કરે ત્યારે રાજ્યના આરોગ્યમંત્રી ક્યાં છુપાઈને બેઠા છે. હાલની પરિસ્થિતિમાં પોલીસ દ્વારા પ્રશંસનીય કામગીરી કરવામાં આવી રહી છે, પણ કેટલીક જગ્યાએ નિર્દોષ લોકોને માર મારવામાં આવે છે, વાહન ડીટેઈન કરવામાં આવે છે, મોટા દંડ કરવામાં આવે છે તેવા સંજોગોમાં રાજ્યના ગૃહમંત્રી કેમ સામે નથી આવતા?

વધુમાં અમીત ચાવડાએ જણાવ્યું હતું કે,

  • ૩ મે ૨૦૨૦ ના રોજ લોકડાઉન પૂરું થશે કે કેમ, જો લોકડાઉન પૂરું થશે તો ત્યારબાદ સરકારનું શું આયોજન છે ?
  • “જે રીતે એપ્રિલ મહિનામાં તમામ રેશનકાર્ડ ધારકોને મફત અનાજનો પુરવઠો આપવામાં આવ્યો તે જ રીતે મે અને જુન મહિનામાં તમામ રેશનકાર્ડ ધારકોને મફત અનાજનો પુરવઠો તથા બે લીટર તેલ પણ આપવામાં આવે.
  • રાજસ્થાન સરકારની માફક ગુજરાતના તમામ ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને એપ્રિલ- મે અને જુન મહિનાનું લાઈટબીલ, ઘરવેરા- પાણી વેરા તથા તમામ નાના મોટા વેરા માફ કરવામાં આવે.
  • ગુજરાતના મધ્યવર્ગના પરિવારના બાળકો ખાનગી શાળાઓમાં અભ્યાસ કરે છે ત્યારે આવા સમયે આ પરિવારોને રાહત મળે ત્યારે નવું સત્ર શરુ થાય ત્યારે ખાનગી શાળાઓની ફી માફ કરવામાં આવે તથા એક સત્રમાંથી ફી ભરવામાંથી રાહત આપવામાં આવે.
  • રોજનું કમાઈને નિર્વાહ ચલાવતા લાખો કામદારો , રીક્ષા ચાલકો, રત્ન કલાકારો, લારી- ગલ્લા, પાથરણા, ચા ની દુકાનવાળા, ઘરઘાટીઓ માટે સરકાર આર્થિક પેકેજની જાહેરાત કરી એપ્રિલ, મે અને જુન મહિના માટે તેમને ૨ હજારથી ૪ હજાર સુધીની રોકડ સહાય આપે.

  • ગુજરાતનો મોટો વર્ગ એવો વિશ્વકર્મા સમાજ કે જેમાં સુથારી કામ કરતા, લુહારીકામ કરતા, કુંભાર સમાજના, કડિયા- સથવારા સમાજના લોકો, પરંપરાગત વ્યવસાય સાથે સંકળાયેલા માળી, નાયી –વાળંદ સમાજના લોકો, કર્મકાંડ સાથે સંકળાયેલા બ્રાહ્મણો માટે સરકાર આર્થિક પેકેજની જાહેરાત કરી પ્રતિમાસ ૨ હજારથી ૪ હજાર રૂપિયાની રોકડ સહાય આપે અને જો ધંધો કરવા માટે લોન લીધેલી હોય તો તેના પર વ્યાજમાફી આપવામાં આવે.
  • ગુજરાતની આર્થિક કરોડરજ્જુ ગણાતા, મોટાપાયે રોજગાર આપતા MSMEs – નાના મધ્યમ કદના ઉદ્યોગોને ફરી ધમધમતા કરવા પાંચ હજાર કરોડનું પેકેજ જાહેર કરવામાં આવે, વ્યાજ અને વેરાઓમાં મુક્તિ આપવામાં આવે.
  • રાજ્યમાં લાખોની સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં અભ્યાસ કરે છે, તેઓ ખુબ મૂંઝવણમાં છે, પરીક્ષાઓ લેવાશે કે કેમ? ત્યારે સરકાર તેની સ્પષ્ટતા કરે. જો પરીક્ષા લેવાશે તો ક્યારે લેવાશે અને પરીક્ષા નથી લેવાના તો માસ પ્રમોશનની કાર્યવાહી તુરંત કરે જેથી તેઓ ચિંતાથી બહાર આવે.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *