અમદાવાદ બન્યું વધુ મોટું શહેર, આ નવા એરિયા ઉમેરાયા મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં….

અમદાવાદ શહેર ૬૦૦ વર્ષ કરતા વધારેનો ઈતિહાસ ધરાવે છે, આશાવલ્લીથી લઈને અમદાવાદ સુધીની સફરમાં શહેર વિકસતું જ ગયું છે. પહેલા કોટ વિસ્તાર એટલે અમદાવાદ શહેર કહેવાતું. શાહપુર, દરિયાપુર, કાળુપુર, રાયપુર, ખાડિયા, જમાલપુર, ખાનપુર, શાહ આલમ સહિતના વિસ્તારો મૂળ અમદાવાદ શહેરના – કોટ વિસ્તારના ગણાય છે.

ત્યારબાદ વર્ષ ૧૯૮૦ થી અમદાવાદ શહેર નદીની પાર વિકસતું થયું. આજના સીજી રોડ આસપાસના વિસ્તારમાં તો અનેક વર્ષોથી મિલ માલિકો અને ઉદ્યોગપતિઓ રહેતા પણ બાદમાં આંબાવાડી, માણેકબાગ, ઉસ્માનપુરા, નારણપુરા, ઘાટલોડિયા, ચાણક્યપૂરી જેવા વિસ્તારો વિકસતા થતા ગયા.

અમદાવાદ શહેર સમય જતા ઘણું વિકસી ગયું અને વર્ષ ૨૦૦૫ માં ઘાટલોડિયા, ચાંદલોડિયા, બોડકદેવ, , જોધપુર સહિતની નગરપાલિકાઓ અમદાવાદ શહેરની હદમાં ભળી ગઈ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો વિસ્તાર ૪૬૪.૬ સ્ક્વેર કિલોમીટર જેટલો થઇ ગયો.

વર્ષ ૨૦૦૫ બાદ અમદાવાદ શહેરની ફરતે એસ.પી. રીંગ રોડ બન્યો, ૭૮ કિલોમીટરના આ રીંગ રોડની અંદર અમુક હિસ્સાને બાદ કરતા અમદાવાદ શહેર આવી ગયું. પરંતુ ત્યારબાદ પણ અમદાવાદ વિકસતું ગયું. અમદાવાદનો સેટેલાઈટ વિસ્તાર પહેલેથી પોશ અને બેસ્ટ ગણવામાં આવે છે ત્યારે આ વિસ્તારથી આગળ ના જોડાયેલા વિસ્તાર વિકસતા ગયા.

ઇસ્કોન ચાર રસ્તાથી આગળ વધીને આંબલી અને રીંગ રોડની બીજી તરફ બોપલ વિસ્તારનો ખુબ વિકાસ થયો. બોપલમાં પણ સાઉથ બોપલનો વિસ્તાર સંપૂર્ણપણે નવો વિકસેલો છે જ્યાં દરેક સોસાયટીઓ છેલ્લા ૧૦ વર્ષની અંદર બનેલી છે તેથી બિલકુલ લેટેસ્ટ અને મોડર્ન ઈન્ફ્રાસ્ટ્રક્ચર જોવા મળે છે. તો પ્રોપર બોપલ વિસ્તાર તો ભરચક બની ગયો, છેક ઘુમા સુધી સોસાયટીઓ બની ગઈ અને શહેરી વિસ્તાર જ બની ગયો.

અમદાવાદ શહેરના ટ્રાફિક, પ્રદુષણ અને ઘોંઘાટથી દુર સમય જતા લોકો રીંગ રોડની પાર આવેલા વિસ્તારોમાં રહેવા જતા થયા અને ત્યાં પણ પછી એક નવું શહેર બની ગયું. ત્યારે સરકારને કરવામાં આવેલી ભલામણ પ્રમાણે સત્તાવાર રીતે બોપલ- ઘુમા નગરપાલિકા વિસ્તાર હવેથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સમાવિષ્ટ કરવામાં આવ્યો છે, તો અન્ય પણ ઘણા વિસ્તાર શહેરમાં ઉમેરવામાં આવ્યા છે.

બોપલ- ઘુમા વિસ્તાર ઉપરાંત કઠવાડા તથા ચિલોડા (નરોડા) ગામનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત સનાથલ, વિસલપુર, અસલાલી, ગેરતનગર, બિલાસીયા, રણાસણ, ખોડીયાર ગામના એવા રેવન્યુ સર્વે નંબર વિસ્તારને ઉમેરવામાં આવ્યો છે જે એસ.પી. રીંગ રોડથી અંદર એટલે કે અમદાવાદ શહેરની હદ તરફનો છે. આ સાથે એસ.પી. રીંગ રોડની અંદરનો તમામ વિસ્તાર હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ગણાશે.

અમદાવાદ ઉપરાંત ગાંધીનગર, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન હદમાં નવા વિસ્તારો ઉમેરવાની જાહેરાત કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આવનારા નવેમ્બર મહિનામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી શકે તેમ છે ત્યારે આ નવા વિસ્તારોના નવા સીમાંકન સાથે ચૂંટણી યોજાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *